કૂંજમાં કોયલ બોલતી - Rajendra Shah
કૂંજમાં કોયલ બોલતી કૂંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ! અરે હાલને આંબાવાડિયે, હજી પો’રની તાજી યાદ! પાંદડું યે નહિ પેખીયે, એવો ઝૂલતો એનો મો’ર, કોઈને મોટા મરવા, અને કોઈને છે અંકોર; ડોલતી ડાળે બેસીએ આપણ, ગજવી ઘેરો નાદ, અરે હાલને આંબાવાડિયે, હજી પો’રની તાજી યાદ! કૂંજમાં કોયલ બોલતી, એનો ... ઘરનું નાનું આંગણું ગમે, મોકળું મોટું વન, કોઈનો યે રંજાડ નહિ ને ખેલવા મળે દન; હાલને ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ, અરે હાલને આંબાવાડિયે, હજી પો’રની તાજી યાદ! કૂંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ! હાલને રે ભાઈ હાલને, આવે પો’રની ઘણી યાદ! કૂંજમાં કોયલ બોલતી, એનો ... - રાજેન્દ્ર શાહ